સુરત
સુરત લોકસભા બેઠક પર આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે, કારણ કે સુરત લોકસભા બેઠક પર અપક્ષ સહિત 8 ઉમેદવાર પૈકી 7 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યાં હતાં. બાદમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ગાયબ થયા બાદ કલેક્ટર કચેરીએ પ્રગટ થયા હતા અને ઉમેદવારીપત્રક પાછું ખેંચી લેતાં ચૂંટણીપંચે વિજેતા જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે દેશમાં પ્રથમવાર લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.
કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ કરાયું હતું
છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું. કુંભાણીના ટેકેદાર બનેવી, ભાણિયો અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હીયરિંગમાં હાજર જ થયા નહીં. બીજી તરફ, ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારની અસલ સહી ઉમેદવારીપત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ નહીં. એટલું જ નહીં, ટેકેદારોને ધાકધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતાં ફોર્મ અમાન્ય જાહેર કરાયું હતું.
સુપ્રીમ કોર્ટમાં જવા લીગલ ટીમ તપાસી રહી છે
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે લીગલ ટીમ તમામ પાસાં પર નજર રાખી રહી છે. હાઈકોર્ટમાં પહેલા પિટિશન ફાઈલ કરી અને પછી સુપ્રીમ કોર્ટમાં જવું કે પછી સીધું સુપ્રીમ કોર્ટમાં જવું એ લીગલ ટીમ તપાસી રહી છે. મેરિટ પર બહુ સારી મેટર છે, એટલે છેક સુધી લડવામાં આવશે.
સુરત કલેક્ટરે મુકેશ દલાલને વિજેતા જાહેર કર્યા
સુરતના કલેક્ટર સૌરભ પારધીએ જણાવ્યું હતું કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 53ની પેટા-કલમ 2 હેઠળ ચૂંટણીનાં પરિણામની જાહેરાત કરું છું. ગુજરાત રાજ્યના 24- સુરત સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા માટેની ચૂંટણી સંચાલનના નિયમો 1961ના નિયમ 11ના પેટા-નિયમ એકસાથે વણસતાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1961ની 53ની પેટા-કલમ 2 જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપરોક્ત મતદાર વિભાગમાંથી એક ગૃહની બેઠક ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલા મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે.
ધારણા વિરુદ્ધ કામ થતું હોય ત્યાં લોકતંત્રની હત્યા દેખાય
મુકેશ દલાલે જણાવ્યું હતું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીઆર પાટીલનો આભાર માનું છું. ભારત દેશમાં પહેલું કમળ સુરત શહેરમાં ખીલ્યું, એ હું તેમનાં ચરણોમાં અર્પણ કરું છું. લોકશાહી ઢબે મારો વિજય થયો છે. કહેવાવાળા કહ્યા કરે, પણ હું ખરેખર મારા મતદારો અને કાર્યકરોનો આભારી છું. પોતાની ધારણા મુજબનું કામ થતું હોય ત્યાં લોકોને સારું લાગતું હોય છે. જ્યારે ધારણા વિરુદ્ધ કામ થતું હોય ત્યાં લોકતંત્રની હત્યા દેખાય છે.
ગઈકાલે સુરત કલેક્ટરે અને પોલીસને પત્ર લખ્યો હતો
સુરત લોકસભા બેઠક હાલમાં રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસ ઉમેદવારીનું ફોર્મ રદ થવું અને તેના ટેકેદારો સંપર્કવિહોણા થતાં રાજકીય માહોલ ગરમાયો હતો. આ વચ્ચે વધુ એક ઉમેદવાર સંપર્કવિહોણા થયા હતા. બહુજન સમાજ પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવનાર પ્યારેલાલ ભારતી વડોદરાથી સંપર્કવિહોણા થયા હતા. છેલ્લા એક કલાકથી વધુના સમયથી તેમનાં પરિવારજનો તેમજ પાર્ટીના લોકો તેમનો સંપર્ક કરી રહ્યાં હતાં, પણ સંપર્ક થતો નહોતો. તેમની 12 વાગ્યાની આસપાસ પાર્ટીના મુખ્ય નેતાઓ સાથે વાતચીત થઈ હતી, એ બાદથી કોઈ પત્તો નહોતો. પ્યારેલાલ ભારતી એક નાની youtube ચેનલ ચલાવે છે. ગઈકાલે પ્યારેલાલ ભારતી અને તેમના ફેમિલીના લોકો વડોદરામાં અલગ-અલગ જગ્યાએ રોકાયા હતા. એ પછીથી હજુ સુધી કોઈ વાતચીત થઈ નથી. ઉલ્લેખનીય છે કે તેમની પાર્ટીના પ્રમુખ દ્વારા પ્યારેલાલ ભારતી માટે પોલીસ પ્રોટેક્શન માગવામાં આવ્યું હતું. ગઈકાલે સુરત કલેક્ટરે અને પોલીસને પત્ર લખ્યો હતો.