15 લાખની લાંચ માંગનાર AMCના ડેપ્યુટી હેલ્થ ઓફિસર અરવિંદ પટેલ ફરાર જાહેર

0
38

અમદાવાદ

ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લેનારા દર્દીના બિલ પાસ કરાવવા ખાનગી ડોક્ટર પાસે 15 લાખની લાંચ મંગાવનારા મ્યુનિ.ના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. અરવિંદ પટેલને મ્યુનિ. કમિશનર મુકેશકુમારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતાં. તેમનો ઉત્તર પશ્ચિમ ઝોનનો હવાલો મધ્ય ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. મેહુલ આચાર્યને સોંપવામાં આવ્યો હતો. ACBએ મ્યુનિ. કમિશનરને આ અંગેની સત્તાવાર જાણ કરતાં સસ્પેન્ડનો નિર્ણય લેવાયો હતો. બાદમાં તેમની આગોતરા જામીન અરજી પણ સ્પેશિયલ ACB કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે હવે સેશન્સ કોર્ટે અરવિંદ પટેલને ફરાર જાહેર કરી દીધાં છે.

અરવિંદ પટેલ પોતાની ધરપકડ ટાળવા માટે સતત નાસતા ફરતા હોવાથી ગત 2 એપ્રિલના રોજ કોર્ટમાંથી વોરંટ મેળવીને ફરાર જાહેર કરવામાં આવ્યાં હતાં. તેમની તપાસ કરવા છતાં તેઓ હાથ નહીં લાગતાં મિરઝાપુરની સેશન્સ કોર્ટમાં તેમની વિરૂદ્ધમા 17 જુને ફરારી જાહેરનામુ જાહેર કરવાની યાદી પાઠવવામાં આવતાં કોર્ટે 23 જૂનના રોજ આરોપી અરવિંગ પટેલને ફરાર જાહેર કર્યાં હતાં.

કોરોનાના દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર મળે તે માટે સરકારે અમદાવાદમાં ઘણી હોસ્પિટલો સાથે કરાર કર્યા હતા. જેમાં સોલા વિસ્તારમાં આવેલી સિમ્સ હોસ્પિટલમાં ઘણાં દર્દીઓે સરકારી ખર્ચે સારવાર લીધી હતી. જેનું કુલ બિલ રૂપિયા 1.50 કરોડ થયું હતું. આ બિલ ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડૉ. અરવિંદ પટેલ પાસ કરવાના હોવાથી તેના વતી ભૂયંગદેવની આદિત્ય હોસ્પિટલના સંચાલક ડૉ. નરેશ મલ્હોત્રાએ 10 ટકા લાંચ એટલે કે રૂપિયા 15 લાખ લાંચની માંગણી કરી હતી. જેની ACBમાં ફરિયાદ નોંધાઇ હતી.

લાંચ પેટે કુલ બીલની 10 ટકા રકમ માગી સિમ્સ હોસ્પિટલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે થયેલા MOU મુજબ કોવિડ 19ની સારવાર માટે સરકારી રેફરન્સથી આવતા દર્દીઓનું બિલ સરકાર તરફથી ચૂકવવામાં આવે છે. આ MOU મુજબ કોવિડ દર્દીઓની સારવારનું રૂપિયા 1.50 કરોડ બિલ સિમ્સ હોસ્પિટલને કોર્પોરેશન પાસેથી લેવાનું થતું હતું. સિમ્સ હોસ્પિટલનું આ બિલ પાસ કરવા માટે કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ ઓફીસર ડૉ. અરવિંદ પટેલ વતી આદિત્ય હોસ્પિટલના ડૉ. નરેશ મલ્હોત્રાએ લાંચ પેટે કુલ બીલના 10 ટકા રકમ માગી હતી. આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરીને ACBએ વધુ તપાસ હાથ ધરી હતી.