12માની પરીક્ષા અંગે સુનાવણી : રાજ્યોને સુપ્રીમ કોર્ટે કહ્યું 31 જુલાઈ સુધી પરિણામ જાહેર કરો

0
41

નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે રાજ્ય બોર્ડ્સને 12મા ધોરણની પરીક્ષા રદ કરવાની માગવાળી અરજી પર સુનાવણી હાથ ધરાઈ. આ દરમિયાન કોર્ટે તમામ રાજ્ય શિક્ષા બોર્ડને આદેશ આપ્યો છે કે 31 જુલાઈ સુધી 12મા ધોરણનું પરિણામ જાહેર કરી દો. આની સાથે કોર્ટે 10 દિવસમાં ઇન્ટર્નલ અસેસમેન્ટ સ્કીમ તૈયાર કરવા માટે પણ ટકોર કરી છે. આ પહેલાં કોર્ટે ભારતના દરેક રાજ્યના બોર્ડ માટે અસેસમેન્ટની એક જેવી સ્કીમ બનાવવા સંદર્ભે આદેશ જાહેર કરવાની ના પાડી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે રાજ્ય અને તેમના બોર્ડ પોતાની નીતિ ઘડવા માટે સ્વતંત્ર છે, જેથી આ ક્ષેત્રે ટકોર કરવાની જરૂર નથી.

સુપ્રીમ કોર્ટના વકીલ અનુભા સહાય શ્રીવાસ્તવે અરજી દાખલ કરીને માગ કરી હતી કે રાજ્ય બોર્ડના 12મા ધોરણની પરીક્ષાને સ્થગિત કરે. અરજી લાંબા સમયથી પેન્ડિંગ હતી. આ સમય દરમિયાન રાજ્યએ પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો. 6 રાજ્યમાં 12મા ધોરણની પરીક્ષા પહેલાં જ થઈ ચૂકી છે. આન્ધ્રપ્રદેશમાં આ નિર્ણય લેવાનો બાકી છે. એવામાં અરજકર્તાએ કોર્ટમા માગ કરી કે તમામ પરીક્ષાઓ રદ કરીને અસેસમેન્ટની એક જેવી સ્કીમ બનાવવા માટે આદેશ જાહેર કરવો જોઇએ.

આન્ધ્રપ્રદેશમાં 12મા ધોરણ અંગે રજૂ કરાયેલી અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સ્થાનિક સરકારને કહ્યું હતું કે સામાજિક અંતર અને શારીરિક અંતર જાળવીને પરીક્ષા હોલમાં 15થી 20 વિદ્યાર્થીઓને બેસવાની વ્યવસ્થા કેવી રીતે કરશો? કોર્ટે આંધ્રના એફિડેવિટને ટાંકીને કહ્યું હતું કે ઓછામાં ઓછા તમારા પરીક્ષકોની કુલ સંખ્યાની બેઠક વ્યવસ્થા માટે 34,600 રૂમની આવશ્યકતા રહેશે, કેવી રીતે મેનેજ કરશો?

જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ માહેશ્વરીની ખંડપીઠે આન્ધ્રપદેશ સરકારને પૂછ્યું હતું કે તમે જુલાઈના અંતિમ સપ્તાહે પરીક્ષાના આયોજનની વાત ઉચ્ચારી હતી. સૌથી પહેલા સ્થિતિ અનિશ્ચિત છે, જો તમે પરીક્ષાનું આયોજન કરી પણ લીધું તો પરિણામ ક્યાં સુધી આપશો? શું દેશ-વિદેશનાં વિશ્વ વિદ્યાલયો તમારા પરિણામની રાહ જોઈને બેઠા રહેશે? આ બધું કેવી રીતે મેનેજ કરશો?

ગત સપ્તાહે CBSE બોર્ડના વર્ગ 12નાં પરિણામો તૈયાર કરવા માટે બનાવવામાં આવેલી 13 સભ્યોની સમિતિએ સુપ્રીમ કોર્ટમાં પણ પોતાનો અહેવાલ આપ્યો હતો, જેમાં બોર્ડે પરિણામ જાહેર કરવાની ફોર્મ્યુલા વિશે જણાવ્યું હતું. બોર્ડના ડ્રાફ્ટ મુજબ 10મા, 11 અને 12મા ધોરણના પૂર્વ બોર્ડની પરીક્ષાનાં પરિણામોને ફાઇનલ રિઝલ્ટનો આધાર બનાવવામાં આવશે. બોર્ડે 31 જુલાઇએ પરિણામ જાહેર કરવાનું કહ્યું હતું. કોર્ટે બોર્ડના ડ્રાફ્ટને પણ મંજૂરી આપી દીધી હતી.