રિલાયન્સ અને ગૂગલે સાથે મળીને લોન્ચ કર્યો જિયોફોન નેક્સ્ટ, 10 સપ્ટેમ્બરથી શરૂ થશે વેચાણ

0
47

મુંબઈ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 44મી એન્યુઅલ જનરલ મીટિંગમાં મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયો અને ગૂગલની પાર્ટનરશીપમાં બનેલા નવા સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટની જાહેરાત કરી છે. નવો સ્માર્ટફોન જિયો અને ગૂગલના ફિચર્સ અને એપ્સની સાથે લેન્સ હશે. એન્ડ્રોઈડ બેઝડ આ સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ જિયો અને ગૂગલે મળીને તૈયાર કરી છે. મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે નવો સ્માર્ટફોન સામાન્ય માણસના બજેટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. તેની કિંમત ખૂબ જ વ્યાજબી હશે અને 10 સપ્ટેમ્બરથી ગણેશ ચુતર્થી તેનુ વેચાણ શરૂ થશે. અંબાણીએ કહ્યું કે દેશને 2Gથી મુક્ત અને 5G યુક્ત બનાવવાનું અમારુ લક્ષ્ય છે.

જિયોફોન નેક્સ્ટ સ્માર્ટફોનમાં યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોરથી એપ્સ ડાઉનલોડ કરી શકે છે. સ્માર્ટફોનમાં સારો કેમેરો અને એન્ડ્રાઈડ અપડેટ પણ મળશે. ફુલ્લી ફિચર્ડ આ સ્માર્ટફોનને મુકેશ અંબાણીએ વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન ગણાવ્યો છે. જોકે આ ફોનની કિંમત વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

એક્સપર્ટ્સનું માનવું છે કે તેની કિંમત ખૂબ જ ઓછી રાખવામાં આવશે. જિયો-ગૂગલનો એન્ડ્રોઈડ બેઝ્ડ સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટ ગેમ ચેન્જર હશે. તે એવા 30 કરોડ લોકોની જીંદગી બદલી શકે છે, જેના હાથમાં હાલ પણ 2G મોબાઈલ સેટ છે. સારી સ્પીડ, સારી ઓપરેટિંગ સિસ્ટમ અને વ્યાજબી ભાવ ધરાવતો જિયો-ગૂગલનો નવો સ્માર્ટફોન કરોડો નવા ગ્રાહકોથી રિલાયન્સ જિયોની ઝોળી ભરી શકે છે.